Pheasant-tailed Jacana
(શ્વેતપંખ જલમાંજર)
કુદરત નવીનતા પ્રેમી છે. પંખીઓને તેણે કેવા જુદા જુદા આકાર
આપ્યા છે? કોઈની ચાંચ લાંબી તો કોઈની પૂંછડી. કોઈના પગ લાંબા તો કોઈની પાંખ. કોઈ
વળી એવા કે જેમની ડોક અને પગ બંને લાંબા. આ વિવિધતા બધાની નજરે ચડે એવી, એટલે
સામાન્ય માણસો પણ એનાથી પરિચિત. અતિ લાંબી આંગલીવાળા પણ થોડા પંખીઓ છે તે ભાગ્યે જ
જાણતા હશે. શ્વેતપંખ જલમાંજર આવું પંખી છે.
લાંબી આંગળીઓ શ્વેતપંખ જલમાંજરની
જીવનચર્યાને અનુરૂપ છે. જળાશયોમાં ઉગી નીકળેલા કમળ અને શિંગોડાના વેલાનાં પાંદડાં
પાણી ઉપર પથરાઈને પડ્યાં હોય છે. આવાં તરતાં પાંદડા ઉપર લાંબી આંગળીઓને લીધે શ્વેતપંખ જલમાંજર સહેલાઈથી હરીફરી શકે છે. તેના
ઉપર ચાલતાં ચાલતાં પાણીમાંની જાત જાતની જીવાત અને કુમળી વનસ્પતિને તે ખાય. કમળના
તરતાં પાંદડાં ઉપર તેને આરામથી ચાલતો જોઈ આપણને નવાઈ લાગે. લાંબી આંગળીઓને લીધે
તેના શરીરનું વજન વધારે સપાટી ઉપર વહેંચાઈ જાય. એટલે તરતી વનસ્પતિ ઉપર તે ચાલતી
વખતે તે ડૂબી જતો નથી. છીછરા પાણીમાં ચાલીને તે ખોરાક શોધે છે. પાણીની નાની મોટી
જીવાત, તેમની ઇયળો, બચ્ચાં, વનસ્પતિ, તેનાં બીજ વગેરે તેમનો મુખ્ય ખોરાક.
પ્રજનન ઋતુ ચોમાસામાં મીં..આં..ઉં ...એવો મીઠો લાગતો બિલાડી
જેવો તે અવાજ કરે. તેની આવી બોલી પરથી તેનું નામ પડ્યું જલમાંજર. બીજી ઋતુમાં ટેંવી
...ટેંવી ... એમ બોલે. પાણીમાં ઉગેલા ઘાસ તથા વનસ્પતિના પાંદડાંથી તરતાં માળા
બનાવે. દૂરથી જોતાં વનસ્પતિના નાના ઢગલા જેવા દેખાય. ખ્યાલ ન આવે કે તે માળો છે.
પ્રજનન ઋતુમાં નર-માદા બંને દેખાવડા બની જાય. મોઢું અને ગળું
સફેદ. ડોક સોનેરી પીળી અને તેનાં ફરતી બદામી રેખા. બાકીનું શરીર ચોકલેટી રંગનું.
પાંખમાં સફેદ અને કાળા રંગ, તેથી ઉડે ત્યારે કાબરો દેખાય અને તરત ધ્યાન ખેંચે.
તેને ઓળખવાની તે એક નિશાની. પેટાળ કાળું લાગે તેવું ઘેરું કથ્થાઈ. કાળી
પૂંછડીમાંથી દાતરડા જેવા આકારના બે પીંછાં લાંબા થઈને બહાર નીકળે.તેના લીધે તેનો
દેખાવ આકર્ષક બની જાય. પગ નાજુક, લાંબા અને રંગે લીલા. આંગળીઓ અતિ લાંબી. ચાંચ
ભૂખરી. નર માદા દેખાવે સરખા.પ્રજનન ઋતુ બાદ પૂંછડીમાંના બે લાંબા પીંછાં ખરી પડે
અને શરીરનો ચોકલેટી રંગ આછો બદામી બની જાય. ડોક પીળી મટી સફેદ થઇ જાય. છાતી ઉપર
આછો બદામી પટો નીકળે. માદા નર કરતાં સહેજ મોટી.
જળાશયો તેનું કાયમી નિવાસસ્થાન. પણ ખોરાકની અનુકૂળતા મુજબ સ્થાનિક
હરફર કરે. ચોમાસામાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈને નાની મોટી તલાવડીઓ થઇ જાય છે.
તેને શોભાવવા પણ જલમાંજર આવી પહોંચે. સ્વભાવે ખાસ શરમાળ નથી. કનડવામાં ન આવે તો
લોકોની નહાવા, ધોવાની કે પાણી ભરવાની ધમાલથી થોડે અંતરે શાંતિથી પોતાના ઉદરપોષણ
અર્થે ફરતો રહે. તે સમુહચારી પંખી નથી, પણ ચોમાસા બાદ અનુકૂળ જળાશયોમાં ઠીક ઠીક
સંખ્યામાં છુટા છુટા જોવા મળે.
(પ્રકૃતિ પરિચય શ્રેણી
ભાગ.૨માંથી સાભાર)