Green bee-eater (પતરંગો)
ચકલી જેવું નાનકડું આ પક્ષી નાનકડી કાળી, જરા વક્ર એવી ચાંચ ધરાવે છે. ભારતભરમાં જોવા મળે છે.
વીજળીના તાર ઉપર બેસીને નિરીક્ષણ કરવાનું ગમે છે. હવામાં ઊડીને ઊડતાં જીવડાં, પતંગિયાં વગેરેને પકડી આરોગી જાય છે. નર-માદા દેખાવે સરખાં હોય છે. ક્યારેક એક-બે અથવા મોટા ટોળામાં ફરતાં હોય છે. સાંજ પડતાં ઘટાટોપ વૃક્ષમાં ધામો નાખે છે. લીલાં પાંદડાંઓમાં કળવું મુશ્કેલ થઇ પડે છે. ‘બર્ડઝ ઓફ સૌરાષ્ટ્ર’ નામના અલભ્ય અને દળદાર પુસ્તકના લેખક ભાવનગરના ધર્માકુમાર
સિંહજીએ શિયાળામાં સેંકડો નાના પતરંગોઓનાં ટોળાં સૌરાષ્ટ્રમાં
જોયા છે. તેમના લખાણ મુજબ આ પક્ષીઓ ક્યારેક જમીન ઉપર ઊતરી રેતીમાં આળોટીને આનંદ માણે છે. ખાસ કરીને ખુલ્લાં મેદાનો, ખેતરો, બાગ-બગીચાઓની પાસે તેમનો આવાસ હોય છે. નાનકડી ઘંટડીઓના મધુર અવાજની જેમ ટીટ-ટીટ અથવા ટ્રી-ટ્રીનું ગુંજન કરતાં હોય છે. ફેબ્રુઆરી-મે તેમનો પ્રજનન સમય હોય છે. ભેખડ કે માટીના પાળામાં જમીનને સમાંતર ૧’થી ૫’-૮’ની નાળ ખોદી તેમાં છેવટની મોટી ગોળાકાર જગ્યામાં ચારથી સાત ઇંડા મૂકે છે.
ઇંડાં સફેદ હોય છે. નર-માદા સાથે રહીને માળો ખોદે છે. સંપ-સહકારથી ઇંડાંને સેવે છે અને બચ્ચાં ઉછેરે છે.
-ડૉ. અશોક એસ. કોઠારી