Republic Day - 2019

10 May 2019

Magpie Robin


સંગીતકાર પક્ષી દૈયડ :
 


આકારમાં દેવચકલી જેવું પણ કદમાં દોઢું, બુલબુલનાં કદનું પક્ષી સોસાયટીઓ આજુબાજુનાં વૃક્ષોમાં પણ  જોવા મળે છે. નર શરીરે ચળકતા કાલા રંગનું, પાંખમાં સફેદ પટ્ટો અને પૂંછડીમાં વચ્ચે કાળા પીંછા અને બંને બાજુ સફેદ પીંછા ધરાવે છે. પેટાળ સફેદ હોય છે. દેવચકલીની જેમ પૂંછ ઊંચી રાખે છે અને ઊંચી નીચી કરે છે. તે સાથે ચગદીલની જેમ પૂંછનાં પીંછા પણ પંખાની જેમ પ્રસારે છે. માદામાં કાળા રંગની જગ્યાએ રાખોડી રંગ હોય છે. પેટાળ સફેદ હોય છે.

પક્ષીનું સંસ્કૃત નામ ભારત દધ્યક છે. હિંદીમાં ધૈયાલ, ધૈયાર છે. મરાઠીમાં ડોમિંગા છે. અંગ્રેજી નામ Magpie Robin છે. શાસ્ત્રીય નામ Copsychus saularis છે. પક્ષી ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, શ્રીલંકામાં લગભગ ૨૫૦૦ મીટરની ઊંચાઈ સુધી વસે છે. પક્ષી શાંત શરમાળ હોવાથી ખાસ નજરે પડતું નથી. સંવનન કાળ એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન નજરે પડે છે. જો કે ફેબ્રુઆરીથી તેની સંગીત મહેફિલ શરૂ થાય છે. વહેલી સવારથી વૃક્ષની ડાળ ઉપર બેઠક જમાવી સંગીતગાન શરૂ કરે છે અને વખતે સૌને તેનાં અસ્તિત્વની જાણ થાય છે. ચી--- જેવી સીસોટીનો અવાજ કરે છે. ચપ-ચપ જેવો પણ અવાજ કરે છે. ખરો ઉન્માદ સંવનન કાળમાં હોય છે. ઉનાળો ઊતરતાં તેનો ઉન્માદ નરમ પડે છે અને વર્ષાઋતુમાં શાંત થઈ જાય છે. વનેચર પક્ષીને ભારતનું દ્વિતીય શ્રેષ્ઠ ગાયક પક્ષી ગણે છે. એપ્રિલના આરંભમાં માળો બાંધવાની પ્રવૃત્તિ શરૂ થાય છે.વૃક્ષની બખોલમાં કે ભીંતનાં પોલાણમાં તણખલા, મૂળિયાં, ઘાસ, પીંછા વગેરે પાથરી રકાબી આકારનો માળો બનાવે છે. તેમાં ફિક્કા વાદળી-લીલાં કે લીલાશ પડતા આસમાની રંગનાં ઉપર તપખીરિયા રંગની છાંટવાળા - ઈંડાં મૂકે છે. માદા ઈંડાંને સેવે છે. નર બીજી જવાબદારી સંભાળે છે.

માહિતી : ડો. અશોક એસ. કોઠારી