ભૂજિયો કોઠો:
જામ રણમલ બીજાના સમયમાં ઉપરાછાપરી ૧૮૯૦, ૧૮૯૫ અને ૧૯૦૨માં જામનગરમાં દુષ્કાળ પડ્યા. આમ, દુષ્કાળમાં પ્રજાને રોજી-રોટી આપવાના હેતુથી રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવેલાં. લાખોટા તળાવ, લાખોટા કોઠો અને ભૂજિયો કોઠો. ભૂજિયા કોઠાનું કામ સંવત ૧૮૮૨માં શરૂ થયેલું અને ૧૩ વર્ષ તેને બાંધતાં લાગેલા. લાખોટા તળાવના દક્ષિણ કિનારે આવેલો આ વિરાટ અને ભવ્ય કોઠો અતીતની અનેક યાદને સંઘરીને ઊભો છે. ફતેહપુર સિક્રીના બુલંદ દરવાજાની જેમ જિલ્લા અને કોઠાના બાંધકામની બાબતમાં આખા દેશમાં ભૂજિયો કોઠો એના ઘેરાવા અને ઊંચાઈને કારણે અજોડ ગણાય છે. કોઠાના બાંધકામમાં કુલ ૪ લાખ, ૨૫ હજાર કોરીનું ખર્ચ થયું હતું. કોઠા ઉપર ચઢીને જામનગર શહેરનું મનોહર દૃશ્ય જોઈ શકાય છે. ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે.