નીલશિર પણ કદમાં પાલતું બતક જેવડું મોટું હોય છે. નર પક્ષી ઉપર અને નીચે રાખોડી રંગ ધરાવે છે. તેમાં કાળી રેખાઓની ભાત હોય છે. માથું અને ગરદન ચળકતા લીલા રંગના હોય છે. તે છીંકણી રંગની છાતીથી સફેદ કાંઠલાથી જુદા પડે છે. પાંખોમાંનું ચળકતું જાંબુડી પડતા વાદળી રંગનું ચગદું હોય છે. તે આજુબાજુ સફેદ - કાળી પટ્ટીઓ ધરાવે છે. ચાંચ પીળાશ પડતી લીલી હોય છે. પગ લાલાશ પડતા નારંગી રંગનાં હોય છે. પૂંછડીમાં બે વળેલાં કાળાં પીંછાં હોય છે. માદામાં ઉપર નીચે ખાખી પડતો કથ્થાઈ રંગ અને તેમાં કાળી ભાત હોય છે. ચાંચ ઓલિવ ગ્રીન નારંગી રંગની ધારી અને છેડેથી કાળી હોય છે.
નીલશિર કાશ્મીર, યુરોપ, ઉત્તર અમેરિકા અને ઉત્તરીય એશિયામાં પ્રજનન કરે છે. શિયાળામાં ભારતભરમાં ઊતરી આવે છે. મોટી સંખ્યામાં હોતા નથી તેથી શોધવા મુશ્કેલ છે. ધર્માકુમારસિંહજીએ ભાવનગર, જામનગર, માંગરોળ, વાંકાનેર, ધાંગધ્રા, મોરબી, રાજકોટ, પાલિતાણા, જસદણ અને પોરબંદરમાં નીલશિર જોયાનો ઉલ્લેખ છે. ખોરાકમાં શેવાળ, દેડકાં વગેરે આરોગે છે. તુરા પાણીના તળાવો કિનારે ઘાસમાં રહેવાનું પસંદ કરે છે. કાશ્મીરમાં મે-જૂનમાં પ્રજનન કરે છે. તળાવને કિનારે ઘાસમાં વનસ્પતિ, પીંછાનો ઓટલો ચણી તેમાં ૬થી દસ ઈંડાં મૂકે છે. ઈંડાં લીલાશ પડતા રાખોડીથી માંડીને પીળા રંગનાં હોય છે.